La sourate Yunus en Gujarati
અલિફ્-લામ્-રાઅ- આ હિકમતથી ભરેલી કિતાબની આયતો છે |
શું તે લોકોને એ વાતથી આશ્ચર્ય થયું કે અમે તેમના માંથી એક વ્યક્તિ પાસે વહી ઉતારી કે દરેક લોકોને સચેત કરે અને જે ઇમાન લઇ આવે તેમને આ ખુશખબર સંભળાવી દે કે તેમના પાલનહાર પાસે તેમને સંપૂર્ણ વળતર અને દરજ્જા મળશે. ઇન્કાર કરનારાઓએ કહ્યું કે આ વ્યક્તિ તો ખુલ્લો જાદુગર છે |
નિ:શંક તમારો પાલનહાર અલ્લાહ જ છે, જેણે આકાશો અને ધરતીનું સર્જન છ દિવસમાં કર્યુ, પછી અર્શ પર બિરાજમાન થયો, તે દરેક કાર્યની વ્યવસ્થા કરે છે, તેની પરવાનગી વગર કોઈ તેની પાસે ભલામણ કરનાર નથી, આવો અલ્લાહ તમારો પાલનહાર છે. તો તમે તેની બંદગી કરો, શું તો પણ તમે શિખામણ પ્રાપ્ત નથી કરતા |
તમારા સૌને અલ્લાહની તરફ જ પાછા ફરવાનું છે, અલ્લાહએ સાચું વચન આપી રાખ્યું છે, નિ:શંક તે જ પ્રથમ વખત સર્જન કરે છે, પછી તે જ બીજી વખત પણ સર્જન કરશે, જેથી જે લોકો ઇમાન લાવ્યા અને તેઓએ સત્કાર્ય કર્યા, ન્યાયપૂર્વક બદલો આપશે અને જે લોકોએ ઇન્કાર કર્યો તેમને ઉકળતું પાણી પીવા માટે મળશે, અને તેમના ઇન્કારના કારણે દુ:ખદાયી યાતના મળશે |
તે અલ્લાહ તઆલા એવો છે જેણે સૂર્યને ચમકતો બનાવ્યો અને ચંદ્રને પ્રકાશિત બનાવ્યો અને તેના માટે (વધઘટની) મંજિલો નક્કી કરી, જેથી તમે વર્ષોની ગણતરી અને હિસાબ જાણી લો, અલ્લાહ તઆલાએ આ વસ્તુઓનું સર્જન વ્યર્થ નથી કર્યું, તે આ પુરાવા તેમને સ્પષ્ટ રીતે બતાવી રહ્યો છે, જે બુદ્ધિશાળી છે |
નિ:શંક રાત અને દિવસનું એક પછી એક આવવામાં અને અલ્લાહ તઆલાએ જે કંઈ આકાશો અને ધરતીમાં સર્જન કર્યુ છે, તે દરેકમાં તે લોકો માટે પુરાવા છે જેઓ અલ્લાહનો ડર રાખે છે |
જે લોકો અમારી તરફ પાછા ફરવામાં નથી માનતા અને તે દુનિયાના જીવન પર રાજી થઇ ગયા અને તેમાં મગ્ન થઇ ગયા છે અને જે લોકો અમારી આયતોથી બેદરકાર છે |
أُولَٰئِكَ مَأْوَاهُمُ النَّارُ بِمَا كَانُوا يَكْسِبُونَ(8) એવા લોકોનું ઠેકાણું તેમના કાર્યોના કારણે જહન્નમ છે |
નિ:શંક જે લોકો ઇમાન લાવ્યા અને તેમણે સત્કાર્યો કર્યા, તેમનો પાલનહાર તેમના ઇમાન લાવવાના કારણે તેમના ધ્યેય સુધી પહોંચાડી દેશે, નેઅમતના બગીચાઓમાં જેની નીચે નહેરો વહી રહી હશે |
તેમના મોઢા માંથી આ વાત નીકળશે “ સુબ્હાન અલ્લાહ” અને તેમની વચ્ચે સલામના શબ્દો આ હશે “ અસ્સલામુઅલયકુમ” અને તેમની છેલ્લી વાત એ હશે કે દરેક પ્રકારની પ્રસંશા અલ્લાહ માટે જ છે જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે |
અને જો અલ્લાહ લોકો પર ઝડપથી નુકસાન ખી દેતો, જે રીતે તેઓ ફાયદા માટે ઉતાવળ કરે છે તો તેમનું વચન ક્યારનું પૂરું થઇ ગયું હોત. માટે અમે તે લોકોને, જેઓ અમારી તરફ પાછા ફરવાની શ્રદ્ધા નથી રાખતા, તેમની પોતાની સ્થિતિ પર છોડી દીધા છે કે પોતાના વિદ્રોહમાં ભટકતા રહે |
અને જ્યારે મનુષ્ય કોઈ મુશ્કેલીમાં મૂકાય છે તો તે અમને પોકારે છે, સૂતા-સૂતા પણ, બેઠા-બેઠા પણ, ઊભા-ઊભા પણ. પછી જ્યારે અમે તેની મુશ્કેલી તેનાથી દૂર કરીએ છીએ તો તે એવો થઇ જાય છે, જાણે કે તેણે પોતાની મુશ્કેલી વખતે, જે તેને પહોંચી હતી, ક્યારેય અમને પોકાર્યા જ ન હતા, તેવા હદ વટાવી જનારાના કાર્યોને તેમના માટે આવી જ રીતે ઉત્તમ બનાવી દીધા છે |
અને અમે તમારા પહેલા ઘણા જૂથોને નષ્ટ કરી દીધા, જ્યારે કે તેઓએ અત્યાચાર કર્યો, જો કે તેમની પાસે તેમના પયગંબર પણ પુરાવા લઇને આવ્યા અને તેઓ એવા કયારે હતા કે ઇમાન લઇ આવતા ? અમે અપરાધીઓને આવી જ રીતે સજા આપીએ છીએ |
ثُمَّ جَعَلْنَاكُمْ خَلَائِفَ فِي الْأَرْضِ مِن بَعْدِهِمْ لِنَنظُرَ كَيْفَ تَعْمَلُونَ(14) ત્યાર પછી અમે દુનિયામાં તેમના બદલામાં તમને નાયબ બનાવ્યા, જેથી અમે જોઇ લઇએ કે તમે કેવી રીતે કાર્ય કરો છો |
અને જ્યારે તેમની સમક્ષ અમારી આયતો પઢવામાં આવે છે જે તદ્દન સ્પષ્ટ છે, તો આ લોકો, જેમને અમારી પાસે પાછા ફરવાની શ્રદ્ધા નથી, એવું કહે છે કે આના સિવાય બીજું કુરઆન લઇ આવો અથવા આમાં કંઈક સુધારોવધારો કરી દો, તમે એવું કહી દો કે મને આ અધિકાર નથી કે હું મારા તરફથી આ (કુરઆન)માં સુધારોવધારો કરું, બસ ! હું તો તેનું જ અનુસરણ કરીશ, જે મારી પાસે વહી દ્વારા પહોંચ્યું છે, જો હું મારા પાલનહારની અવજ્ઞા કરું, તો હું એક મોટા દિવસની યાતનાનો ડર રાખુ છું |
તમે એવું કહી દો કે જો અલ્લાહ ઇચ્છે તો ન તો હું તમારી સમક્ષ તે પઢીને સંભળાવતો અને ન તો અલ્લાહ તઆલા તમને તેની જાણ કરતો, કારણકે હું તમારી સાથે મારા જીવનનો એક લાંબો સમય વિતાવી ચૂક્યો છું, પછી શું તમે સમજતા નથી |
તો તે વ્યક્તિ કરતા વધારે અત્યાચારી કોણ હશે જે અલ્લાહ પર જૂઠાણું બાંધે અથવા તેની આયતોને જૂઠ્ઠી ઠેરવે, નિ:શંક આવા અપરાધીઓને ક્યારેય સફળતા નહીં મળે |
અને આ લોકો અલ્લાહ સિવાય એવી વસ્તુઓની બંદગી કરે છે જે ન તો તેમને નુકસાન પહોંચાડી શકે છે અને ન તો તેમને ફાયદો પહોંચાડી શકે છે અને કહે છે કે આ લોકો અલ્લાહની સમક્ષ અમારા માટે ભલામણ કરશે. તમે કહી દો કે શું તમે અલ્લાહને એવી વસ્તુની જાણ આપો છો જે અલ્લાહ તઆલાને ખબર નથી, ન આકાશોમાં અને ન ધરતીમાં, તે પવિત્ર અને સર્વગ્રાહી છે તે લોકોના ભાગીદાર ઠેરાવવાથી |
અને દરેક લોકો એક જ જૂથના હતા, પછી તેમણે મતભેદ કરી દીધો અને જો એક વાત ન હોત જે તમારા પાલનહાર તરફથી પહેલાથી જ નક્કી થઇ ગઇ છે, તો જે વસ્તુમાં આ લોકો મતભેદ કરી રહ્યા હતા તેમનો ખરેખર નિર્ણય થઇ ચૂક્યો હોત |
અને આ લોકો એવું કહે છે કે તેમના પર તેમના પાલનહાર તરફથી કોઈ નિશાની કેમ નથી આવી ? તમે કહી દો કે અદૃશ્યની વાતો ફકત અલ્લાહ જ જાણે છે, તો તમે પણ રાહ જુઓ હું પણ તમારી સાથે રાહ જોઇ રહ્યો છું |
અને જ્યારે તેમના પર કોઈ મુસીબત આવ્યા પછી કોઈ નેઅમતનો સ્વાદ ચખાડી દઇએ તો તેઓ તરત જ અમારી આયતો વિશે યુક્તિઓ કરવા લાગે છે, તમે કહી દો કે અલ્લાહ યુક્તિઓ કરવામાં તમારા કરતા વધારે ઝડપી છે, નિ:શંક અમારા ફરિશ્તાઓ તમારી દરેક યુક્તિઓને લખી રહ્યા છે |
તે અલ્લાહ એવો છે, જે તમને ભૂમિ પર અને દરિયામાં ચલાવે છે, ત્યાં સુધી કે જ્યારે તમે હોડીમાં હોવ છો અને તે હોડી લોકોને લઇને હવાની અનુકૂળતાના પ્રમાણે ચાલે છે અને તે લોકો તેનાથી આનંદ મેળવે છે, તેમના પર એક સખત વાવાઝોડું આવે છે અને દરેક બાજુથી તેમના પર મોજાઓ ઉઠે છે, અને તે સમજે છે અમે ઘેરાઇ ગયા, (તે સમયે) સૌ નિખાલસતાથી અલ્લાહને જ યાદ કરે છે, કે જો તું અમને આનાથી બચાવી લે તો અમે જરૂર આભાર વ્યક્ત કરનારા બની જઇશું |
પછી જ્યારે અલ્લાહ તેમને બચાવી લે છે તો તરત જ તેઓ ધરતી પર અયોગ્ય રીતે વિદ્રોહ કરવા લાગે છે. હે લોકો ! આ તમારો વિદ્રોહ તમારા માટે આપત્તિનું કારણ બનશે, દુનિયાના જીવનના (થોડાંક) ફાયદાઓ છે, પછી તમારે અમારી તરફ પાછા ફરવાનું છે, પછી અમે તમારા બધા કાર્યો બતાવી દઇશું |
બસ ! દુનિયાના જીવનની સ્થિતિ તો એવી છે, જેવી કે અમે આકાશ માંથી પાણી વરસાવ્યું, પછી તેનાથી ધરતીની ઊપજ, જેને મનુષ્ય અને ઢોરો ખાય છે, ખૂબ ગીચ ઊગ્યું, ત્યાં સુધી કે જ્યારે તે ધરતી પોતાની ઊપજો માટેનો પૂરતો ભાગ લઇ ચૂકી અને તેની ઊપજો ખૂબ શોભવા લાગી અને તેના માલિકોએ સમજી લીધું કે હવે અમે આના પર સંપૂર્ણ રીતે સમર્થ છીએ, તો દિવસે અથવા રાત્રે તેની (ઊપજો) પર અમારા તરફથી કોઈ આદેશ (પ્રકોપ) આવી પહોંચ્યો, તો અમે તેને એવી રીતે નષ્ટ કરી દીધી જાણે કે તે ગઇકાલે હતી જ નહીં, અમે આવી જ રીતે આયતોનું સ્પષ્ટ રીતે વર્ણન કરીએ છીએ, એવા લોકો માટે, જે વિચારે છે |
وَاللَّهُ يَدْعُو إِلَىٰ دَارِ السَّلَامِ وَيَهْدِي مَن يَشَاءُ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ(25) અને અલ્લાહ તઆલા શાંતિના ઘર તરફ તમને પોકારે છે અને જેને ઇચ્છે છે સત્ય માર્ગ તરફ માર્ગદર્શન આપે છે |
જે લોકોએ સત્કાર્ય કર્યા છે તેમના માટે નેઅમત છે અને વધારે (વળતર) પણ. અને તેમના મોઢાઓ પર ન કાળાશ હશે અને ન તો તેમનું અપમાન કરવામાં આવશે. આ લોકો જન્નતમાં રહેવાવાળા છે, તેઓ તેમાં હંમેશા રહેશે |
અને જે લોકોએ દુષ્કર્મ કર્યા, તેમના દુષ્કર્મોની સજા તેના જેવી જ મળશે અને તેમના પર અપમાન છવાઇ જશે, તેમને અલ્લાહ તઆલાથી કોઈ બચાવી નહીં શકે, અને તેમના ચહેરાઓ પર અંધારી રાત્રિનો અંધકાર છવાઇ ગયો હશે, આ લોકો જહન્નમમાં રહેવાવાળા છે, તેઓ તેમાં હંમેશા રહેશે |
અને તે દિવસ પણ યાદ કરવા જેવો છે જે દિવસે અમે તે સૌને ભેગા કરીશું, પછી મુશરિકોને કહીશું કે તમે અને તમારા ભાગીદાર પોતાની જગ્યાએ ઊભા રહો, પછી અમે તેમને અંદરોઅંદર લડાવી દઇશું અને તેમના તે ભાગીદારો કહેશે કે તમે અમારી બંદગી કરતા ન હતા |
فَكَفَىٰ بِاللَّهِ شَهِيدًا بَيْنَنَا وَبَيْنَكُمْ إِن كُنَّا عَنْ عِبَادَتِكُمْ لَغَافِلِينَ(29) તો અમારી અને તમારી વચ્ચે સાક્ષી માટે અલ્લાહ પૂરતો છે, કે અમને તમારી બંદગીની જાણ પણ ન હતી |
તે સમયે, દરેક વ્યક્તિ પોતાના આગળ મોકલેલા કર્મોને ચકાસી લેશે અને આ લોકો અલ્લાહ તરફ, જે તેમનો સાચો માલિક છે, પાછા ફેરવવામાં આવશે અને જે કંઈ જૂઠ ઘડતા હતા બધું જ તેમનાથી અદૃશ્ય થઇ જશે |
તમે કહી દો કે તે કોણ છે જે તમને આકાશ અને ધરતી માંથી રોજી પહોંચાડે છે, અથવા તે કોણ છે જે કાન અને આંખો બન્ને પર સંપૂર્ણ અધિકાર ધરાવે છે અને તે કોણ છે જે નિર્જીવ માંથી સજીવ કાઢે છે અને સજીવ માંથી નિર્જીવ કાઢે છે અને તે કોણ છે જે દરેક કાર્યની વ્યવસ્થા કરે છે, જરૂર તેઓ એ જ કહેશે કે “અલ્લાહ”. તો તેમને કહો કે કેમ નથી ડરતા |
તો આવો છે અલ્લાહ તઆલા, જે તમારો સાચો પાલનહાર છે, સત્ય પછી પથભ્રષ્ટતા સિવાય હવે શું રહી ગયું, પછી ક્યાં ભટકો છે |
كَذَٰلِكَ حَقَّتْ كَلِمَتُ رَبِّكَ عَلَى الَّذِينَ فَسَقُوا أَنَّهُمْ لَا يُؤْمِنُونَ(33) આવી જ રીતે તમારા પાલનહારની એ વાત કે, આ લોકો ઇમાન નહીં લાવે, દરેક વિદ્રોહીઓ વિશે સાબિત થઇ ગઇ |
તમે એમ કહી દો કે શું તમારા ભાગીદારોમાં કોઈ એવો છે જે પ્રથમ વખત પણ સર્જન કરીને બતાવે અને ફરી બીજી વખત પણ સર્જન કરી બતાવે ? તમે કહી દો કે અલ્લાહ જ પ્રથમ વખત સર્જન કરે છે અને તે જ બીજી વખત પણ સર્જન કરશે, પછી તમે ક્યાં ભટકતા ફરો છો |
તમે કહી દો કે તમારા ભાગીદારોમાં કોઈ એવો છે જે સત્ય માર્ગ તરફ માર્ગદર્શન આપતો હોય ? તમે કહી દો કે અલ્લાહ જ સત્ય તરફ માર્ગદર્શન આપે છે, તો પછી જે વ્યક્તિ સત્ય તરફ માર્ગદર્શન આપતો હોય તે અનુસરણ કરવા માટે વધું યોગ્ય છે અથવા તે વ્યક્તિ જેને બતાવ્યા વગર પોતે જ માર્ગદર્શન ન મેળવે ? બસ ! તમને શું થઇ ગયું છે તમે કેવા નિર્ણય કરો છો |
અને તેમના માંથી વધારે પડતા લોકો ફકત અનુમાનનું અનુસરણ કરે છે, ખરેખર અનુમાન સત્ય (ની ઓળખ)માં કંઈ પણ કામ નથી આવી શકતું. આ લોકો જે કંઈ કરી રહ્યા છે ખરેખર અલ્લાહ તે બધું જ જાણે છે |
અને આ કુરઆન એવું નથી કે અલ્લાહ (ની વહી) વગર (પોતે જ) ઘડી કાઢ્યું હોય, પરંતુ આ તો (તે કિતાબોની) પુષ્ટિ કરવાવાળું છે જે આ પહેલા (અવતરિત) થઇ ચૂકી છે અને કિતાબ (જરૂરી આદેશો)નું સ્પષ્ટીકરણ કરે છે, આમાં કોઈ શંકાની વાત નથી કે આ પાલનહાર તરફથી જ છે |
શું આ લોકો આવું કહે છે કે તમે તેને ઘડી કાઢ્યું છે ? તમે કહી દો કે તો પછી તમે તેના જેવી એક જ સૂરહ લાવી બતાવો અને અલ્લાહ સિવાય જે-જે પૂજ્યોને બોલાવી શકતા હોય, બોલાવી લો, જો તમે સાચા હોવ |
પરંતુ એવી વસ્તુને જુઠ્ઠી ઠેરવવા લાગ્યા જે પોતાના જ્ઞાનમાં નથી અને હજુ સુધી પરિણામ પણ નથી આવ્યું, જે લોકો આ લોકોથી પહેલા થઇ ગયા, આવી જ રીતે તેમણે પણ જુઠલાવ્યું, તો જોઇ લો કે તે અત્યાચારીઓનું પરિણામ કેવું આવ્યું |
وَمِنْهُم مَّن يُؤْمِنُ بِهِ وَمِنْهُم مَّن لَّا يُؤْمِنُ بِهِ ۚ وَرَبُّكَ أَعْلَمُ بِالْمُفْسِدِينَ(40) અને તેમના માંથી કેટલાક એવા છે જે આના પર ઇમાન લઇ આવશે અને કેટલાક એવા છે કે આના પર ઇમાન નહીં લાવે અને તમારો પાલનહાર વિદ્રોહીઓને ખૂબ સારી રીતે જાણે છે |
અને જો તમને જુઠલાવતા રહ્યા તો એવું કહી દો કે મારા માટે મારું કર્મ અને તમારા માટે તમારું કર્મ, તમે મારા કર્મથી મુક્ત છો અને હું તમારા કર્મની જવાબદારીથી મુક્ત છું |
وَمِنْهُم مَّن يَسْتَمِعُونَ إِلَيْكَ ۚ أَفَأَنتَ تُسْمِعُ الصُّمَّ وَلَوْ كَانُوا لَا يَعْقِلُونَ(42) અને તે લોકોમાં થોડાંક લોકો એવા છે જે તમારી તરફ કાન ધરીને બેઠા છે, શું તમે બહેરાને સંભળાવો છો, જેમને બુદ્ધિ નથી |
وَمِنْهُم مَّن يَنظُرُ إِلَيْكَ ۚ أَفَأَنتَ تَهْدِي الْعُمْيَ وَلَوْ كَانُوا لَا يُبْصِرُونَ(43) અને તે લોકોમાં થોડાંક એવા છે કે તમને તાકીને બેઠા છે, પછી શું તમે આંધળાઓને માર્ગદર્શન આપવા ઇચ્છો છો જેમને દૃષ્ટિ જ નથી |
إِنَّ اللَّهَ لَا يَظْلِمُ النَّاسَ شَيْئًا وَلَٰكِنَّ النَّاسَ أَنفُسَهُمْ يَظْلِمُونَ(44) આ ખરેખર સાચી વાત છે કે અલ્લાહ લોકો પર જરા પણ અત્યાચાર નથી કરતો, પરંતુ લોકો પોતે જ પોતાના પર અત્યાચાર કરે છે |
અને તેમને તે દિવસ યાદ કરાવો, જેમાં અલ્લાહ તેમને એકઠાં કરશે (તો તે લોકોને એવું લાગશે) કે તે લોકો (દુનિયામાં) આખા દિવસની એક પળ રહ્યા હોય, અને એકબીજાની ઓળખ માટે રોકાયા હોય, નિ:શંક નુકસાનમાં રહ્યા તે લોકો જેમણે અલ્લાહની પાસે પાછા ફરવાને જુઠલાવ્યું અને તે લોકો સત્ય માર્ગદર્શનને અપનાવનારા ન હતા |
અને જેનું વચન અમે કરી રહ્યા છે તેમાંથી કંઈક અમે તમને બતાવી દઇએ, અથવા (તે થયા પહેલા) અમે તમને મૃત્યુ આપી દઇએ છેવટે અમારી પાસે તેમને આવવાનું જ છે. પછી અલ્લાહ તેમના દરેક કાર્યો પર સાક્ષી છે |
અને દરેક જૂથ માટે એક પયગંબર છે, તો જ્યારે તેમનો પયગંબર આવી જાય છે, તેમનો નિર્ણય ન્યાયથી કરવામાં આવે છે અને તેમના પર અત્યાચાર કરવામાં નથી આવતો |
وَيَقُولُونَ مَتَىٰ هَٰذَا الْوَعْدُ إِن كُنتُمْ صَادِقِينَ(48) અને આ લોકો કહે છે કે આ વચન કયારે પૂરું થશે, જો તમે સાચા છો |
તમે કહી દો કે હું મારા માટે તો કોઈ ફાયદા અને નુકસાનનો અધિકાર નથી ધરાવતો, સિવાય એટલું કે જે અલ્લાહ ઇચ્છતો હોય, દરેક જૂથ માટે એક નક્કી કરેલ સમય છે જ્યારે તે લોકોનો નક્કી કરેલ સમય આવી પહોંચે છે તો એક ક્ષણ ન પાછળ જઇ શકે છે અને ન આગળ વધી શકે છે |
તમે કહી દો કે એ તો જણાવો કે જો તમારા પર અલ્લાહનો પ્રકોપ રાત્રે આવી પહોંચે અથવા દિવસે, તો પ્રકોપ માં કેવી વસ્તુ એવી છે જેને અપરાધીઓ માંગવામાં ઉતાવળ કરે છે |
أَثُمَّ إِذَا مَا وَقَعَ آمَنتُم بِهِ ۚ آلْآنَ وَقَدْ كُنتُم بِهِ تَسْتَعْجِلُونَ(51) શું પછી જ્યારે (પ્રકોપ) આવી જશે, પછી ઇમાન લાવશો, હાં, હવે માન્યા, જો કે તમે તેના માટે ઉતાવળ કરતા હતા |
પછી અત્યાચારીઓને કહેવામાં આવશે કે હંમેશાની યાતના ચાખો, તમને તમારા કાર્યોનો જ બદલો મળ્યો છે |
۞ وَيَسْتَنبِئُونَكَ أَحَقٌّ هُوَ ۖ قُلْ إِي وَرَبِّي إِنَّهُ لَحَقٌّ ۖ وَمَا أَنتُم بِمُعْجِزِينَ(53) અને તે લોકો તમને પૂછે છે કે શું યાતના ખરેખર સાચી છે ? તમે કહી દો કે હાં, સોગંદ છે મારા પાલનહારના, તે ખરેખર સાચી છે અને તમે કોઈ પણ રીતે અલ્લાહને અસમર્થ નથી કરી શકતા |
અને જો પ્રત્યેક જીવ, જેણે અત્યાચાર (શિર્ક) કર્યો, તે લોકો (યાતના જોઇ લીધા પછી) આખી ધરતી ભરીને મુક્તિદંડ રૂપે ધન આપવા ઇચ્છશે, અને નિરાશાને છૂપાવી રાખશે જ્યારે યાતનાને જોઇ લેશે અને તેમનો નિર્ણય ન્યાયથી કરવામાં આવશે અને તેમના પર અત્યાચાર નહીં થાય |
યાદ રાખી લો કે જેટલી વસ્તુ આકાશો અને ધરતીમાં છે બધાનો માલિક અલ્લાહ જ છે, યાદ રાખો કે અલ્લાહ તઆલાનું વચન સાચું છે, પરંતુ ઘણા લોકો અજ્ઞાન છે |
તે જ પ્રાણ નાખે છે તે જ પ્રાણ કાઢે છે અને તમે સૌ તેની જ તરફ પાછા ફેરવવામાં આવશો |
હે લોકો ! તમારી પાસે તમારા પાલનહાર તરફથી એક એવી વસ્તુ આવી ગઇ છે, જે શિખામણ છે અને જે લોકોના હૃદયોમાં રોગ છે તેના માટે દવા છે અને માર્ગદર્શન આપનારી છે અને ઇમાનવાળાઓ માટે કૃપા છે |
قُلْ بِفَضْلِ اللَّهِ وَبِرَحْمَتِهِ فَبِذَٰلِكَ فَلْيَفْرَحُوا هُوَ خَيْرٌ مِّمَّا يَجْمَعُونَ(58) તમે કહી દો કે લોકોએ અલ્લાહના આ ઇનામ અને કૃપા પર રાજી થવું જોઇએ અને જે કંઈ તેઓ ભેગું કરી રહ્યા છે, તે તેના કરતા ઉત્તમ છે |
તમે કહી દો કે એવું તો જણાવો કે અલ્લાહએ તમારા માટે જે કંઈ પણ રોજી મોકલી હતી, પછી તેના થોડાંક ભાગને હલાલ અને થોડાંક ભાગને હરામ ઠેરવી દીધું, તમે પૂછો કે શું તમને અલ્લાહએ આદેશ આપ્યો હતો અથવા અલ્લાહ પર જૂઠાણું બાંધો છો |
અને જે લોકો અલ્લાહ પર જૂઠાણું બાંધે છે તે લોકો કયામત વિશે શું અનુમાન કરે છે ? ખરેખર લોકો પર અલ્લાહ તઆલાની ઘણી જ કૃપા છે પરંતુ ઘણા લોકો આભાર નથી માનતા |
અને તમે કોઈ પણ સ્થિતિમાં હોવ અને જે કંઈ પણ કુરઆન માંથી પઢી રહ્યા છો (કયામત તથા યાતના વિશેની આયતો) અને જે કંઈ પણ કાર્ય કરો છો અમે બધું જ જાણીએ છીએ જ્યારે તમે તે કાર્યમાં વ્યસ્ત હોવ છો અને તમારા પાલનહારથી કોઈ પણ વસ્તુ કણ બરાબર પણ છૂપી નથી. ન ધરતીમાં ન આકાશમાં અને તેનાથી ન કોઈ વસ્તુ નાની અને ન કોઈ મોટી વસ્તુ (છૂપી છે). પરતું આ બધું જ “કિતાબે મુબીન” (ખુલ્લી કિતાબ) માં છે |
أَلَا إِنَّ أَوْلِيَاءَ اللَّهِ لَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ(62) યાદ રાખો ! અલ્લાહના મિત્રો માટે ન કોઈ આપત્તિ છે અને ન તો તેઓ નિરાશ થશે |
આ તે લોકો છે જેઓ ઇમાન લાવ્યા અને બચીને રહે છે (ખરાબ કૃત્યોથી) |
તેમના માટે દુનિયાના જીવનમાં પણ અને આખેરત (પરલોક)માં પણ ખુશખબર છે, અલ્લાહ તઆલાની વાતોમાં કંઈ તફાવત હોતો નથી, આ ભવ્ય સફળતા છે |
وَلَا يَحْزُنكَ قَوْلُهُمْ ۘ إِنَّ الْعِزَّةَ لِلَّهِ جَمِيعًا ۚ هُوَ السَّمِيعُ الْعَلِيمُ(65) અને તમને તેઓની વાતો નિરાશ ન કરે, દરેક પ્રકારનું પ્રભુત્વ અલ્લાહનું જ છે, તે સાંભળે છે, જાણે છે |
યાદ રાખો ! જે કંઈ પણ આકાશો અને ધરતીમાં છે આ બધું અલ્લાહનું જ છે અને જે લોકો અલ્લાહને છોડીને બીજા ભાગીદારોની બંદગી કરી રહ્યા છે, કેવી વસ્તુનું અનુસરણ કરી રહ્યા છે, ફકત કલ્પનાનું અનુસરણ કરી રહ્યા છે અને ફકત નકામી વાતો કરી રહ્યા છે |
તે એવો છે જેણે તમારા માટે રાત બનાવી જેથી તમે તેમાં આરામ કરો અને દિવસ પણ બનાવ્યો જેથી તમે જુઓ, ખરેખર આમાં પણ પુરાવા છે તે લોકો માટે જેઓ સાંભળે છે |
તે કહે છે કે અલ્લાહને સંતાન છે, સુબ્હાન અલ્લાહ (અલ્લાહ પવિત્ર છે), તે તો કોઇનો મોહતાજ નથી તેની જ માલિકીનું છે, જે કંઈ આકાશોમાં અને જે કંઈ ધરતીમાં છે. તમારી પાસે તેના પર કોઈ દલીલ નથી, શું અલ્લાહ વિશે એવી વાત કહો છો જેનું તમને જ્ઞાન નથી |
قُلْ إِنَّ الَّذِينَ يَفْتَرُونَ عَلَى اللَّهِ الْكَذِبَ لَا يُفْلِحُونَ(69) તમે કહી દો કે જે લોકો અલ્લાહ પર જૂઠાણું બાંધે છે તે સફળ નહીં થાય |
આ દુનિયામાં થોડીક મોજમજા છે, પછી અમારી તરફ તેમને આવવાનું છે, પછી અમે તેમને તેમના ઇન્કારના બદલામાં સખત યાતના આપીશું |
અને તમે તેમને નૂહ (અ.સ.)નો કિસ્સો વાંચી સંભળાવો, જ્યારે તેમણે પોતાની કોમને કહ્યું, કે હે મારી કોમના લોકો ! જો તમને મારું અહીંયા રહેવું અને અલ્લાહના આદેશોની શિખામણ આપવી કઠીન લાગતું હોય, તો મારો ભરોસો અલ્લાહ પર જ છે, તમે પોતાની યુક્તિ પોતાના ભાગીદારો સાથે મજબૂત કરી લો, પછી તમારી ચાલ તમારા ખંડનનું કારણ ન બનવી જોઇએ, પછી મારી સાથે જે કરવું હોય કરી લો મને મહેતલ ન આપો |
તો પણ જો તમે અળગા રહો તો મેં તમારી પાસે કોઈ વળતર તો નથી માંગ્યું, મારું વળતર તો ફકત અલ્લાહ પાસે છે અને મને આદેશ આપવામાં આવ્યો છે કે હું મુસલમાન બનીને રહું |
તો તે લોકો તેમને જુઠલાવતા રહ્યા, બસ! અમે તેમને અને જે લોકો તેમની સાથે જહાજમાં સવાર હતા, (પ્રકોપથી) બચાવી લીધા અને તે લોકોને નાયબ બનાવી દીધા અને જે લોકોએ અમારી આયતોને જુઠલાવી હતી તે લોકોને ડુબાડી દીધા. તો તમે જુઓ તે લોકોની દશા કેવી થઇ ? જે લોકોને સચેત કરવામાં આવ્યા હતા |
પછી નૂહ અ.સ. પછી અમે બીજા પયગંબરોને તેમની કોમ તરફ મોકલ્યા તો, તે લોકો તેમની પાસે સ્પષ્ટ પુરાવા લઇને આવ્યા, બસ ! જે વસ્તુને તે લોકોએ પ્રથમ વખતે જુઠલાવી દીધી, પછી તેઓ માનવાવાળા ન થયા, અલ્લાહ તઆલા આવી જ રીતે હદ વટાવી દેનારાઓના હૃદયો પર મહોર લગાવી દે છે |
પછી તે પયગંબરો પછી અમે મૂસા (અ.સ.) અને હારૂન (અ.સ.) ને ફિરઔન અને તેના સરદારો પાસે પોતાની નિશાનીઓ આપીને મોકલ્યા, તો તે લોકોએ ઘમંડ કર્યુ અને તે લોકો અપરાધીઓ હતા |
فَلَمَّا جَاءَهُمُ الْحَقُّ مِنْ عِندِنَا قَالُوا إِنَّ هَٰذَا لَسِحْرٌ مُّبِينٌ(76) પછી જ્યારે તેમની પાસે અમારા સાચા પુરાવા પહોંચ્યા તો તે લોકો કહેવા લાગ્યા કે ખરેખર આ ખુલ્લું જાદુ છે |
قَالَ مُوسَىٰ أَتَقُولُونَ لِلْحَقِّ لَمَّا جَاءَكُمْ ۖ أَسِحْرٌ هَٰذَا وَلَا يُفْلِحُ السَّاحِرُونَ(77) મૂસા (અ.સ.)એ કહ્યું કે શું તમે આ સાચા પુરાવા વિશે, જ્યારે કે તે તમારી પાસે આવી ગયા, એવી વાત કહો છો કે આ જાદુ છે ? જો કે જાદુગર સફળ નથી થતા |
તે લોકો કહેવા લાગ્યા શું તમે અમારી પાસે એટલા માટે આવ્યા છો કે અમને અમારા માર્ગથી હટાવી દો, જેના પર અમે અમારા પૂર્વજોને જોયા છે અને તમને બન્નેને દુનિયામાં હોદ્દો મળી જાય અને અમે તમને બન્નેને ક્યારેય નહીં માનીએ |
અને ફિરઔને કહ્યું કે મારી પાસે દરેક નિષ્ણાંત જાદુગરોને ભેગા કરી દો |
فَلَمَّا جَاءَ السَّحَرَةُ قَالَ لَهُم مُّوسَىٰ أَلْقُوا مَا أَنتُم مُّلْقُونَ(80) પછી જ્યારે જાદુગરો ભેગા થયા તો મૂસા (અ.સ.)એ તેમને કહ્યું કે નાંખો, જે કંઈ પણ તમે નાંખવાના છો |
તો જ્યારે તે લોકોએ નાંખ્યું તો મૂસા (અ.સ.)એ કહ્યું કે આ જે કંઈ પણ તમે લાવ્યા છો, જાદુ છે, નિ:શંક અલ્લાહ આને હમણાં જ અસ્તવ્યસ્ત કરી દેશે, અલ્લાહ આવા વિદ્રોહીઓનું કામ સફળ નથી થવા દેતો |
وَيُحِقُّ اللَّهُ الْحَقَّ بِكَلِمَاتِهِ وَلَوْ كَرِهَ الْمُجْرِمُونَ(82) અને અલ્લાહ તઆલા સત્યને પોતાના આદેશો દ્વારા સાબિત કરી દે છે, ભલેને અપરાધી પસંદ ન કરે |
બસ ! મૂસા (અ.સ.) પર તેમની કોમ માંથી ફકત થોડાંક લોકો જ ઇમાન લાવ્યા, તે પણ ફિરઔન અને પોતાના સરદારોથી ડરતા- ડરતા કે ક્યાંક તેઓને તકલીફ ન પહોંચાડે અને ખરેખર ફિરઔન તે શહેરમાં બળવાન હતો અને આ વાત પણ હતી કે તે હદ વટાવી દેતો |
અને મૂસા(અ.સ.)એ કહ્યું કે હે મારી કોમના લોકો ! જો તમે અલ્લાહ પર ઇમાન રાખતા હોવ તો તેના પર જ ભરોસો કરો, જો તમે મુસલમાન હોય |
فَقَالُوا عَلَى اللَّهِ تَوَكَّلْنَا رَبَّنَا لَا تَجْعَلْنَا فِتْنَةً لِّلْقَوْمِ الظَّالِمِينَ(85) તેમણે કહ્યું કે અમે અલ્લાહ પર જ ભરોસો કર્યો, હે અમારા પાલનહાર ! અમને તે અત્યાચારીઓ માટે ઉપદ્રવનું કારણ ન બનાવ |
અને અમને પોતાની કૃપાથી તે ઇન્કાર કરનારાઓથી બચાવી લે |
અને અમે મૂસા (અ.સ.) અને તેમના ભાઇની પાસે વહી મોકલી કે તમે બન્ને પોતાના તે લોકો માટે મિસ્રમાં ઘર નક્કી કરી લો અને તમે સૌ તે જ ઘરોમાં નમાઝ પઢવાનું નક્કી કરી લો અને નમાઝ કાયમ કરો અને તમે મુસલમાનોને ખુશખબર આપી દો |
અને મૂસા (અ.સ.)એ કહ્યું કે હે અમારા પાલનહાર ! તેં ફિરઔન અને તેના સરદારોને શણગારનો સામાન અને અલગ-અલગ પ્રકારનું ધન દુનિયાના જીવનમાં આપ્યું. હે અમારા પાલનહાર ! (આ કારણે આપ્યું છે કે) તે લોકો તારા માર્ગથી લોકોને પથભ્રષ્ટ કરે, હે અમારા પાલનહાર ! તેમના ધનને નષ્ટ કરી દે અને તેમના હૃદયોને સખત કરી દે, જેથી આ લોકો ઇમાન ન લાવી શકે, ત્યાં સુધી કે દુ:ખદાયી યાતનાને જોઇ લે |
અલ્લાહ તઆલાએ કહ્યું કે, તમારા બન્નેની દુઆ કબૂલ કરવામાં આવી, તો તમે અડગ રહો અને તે લોકોના માર્ગે ન ચાલશો, જેઓ અજ્ઞાની છે |
અને અમે ઇસ્રાઇલના સંતાનને દરિયો પાર કરાવી દીધો, પછી તેમની પાછળ-પાછળ ફિરઔન પોતાના લશ્કર સાથે અત્યાચાર કરવાના હેતુથી આવ્યો, ત્યાં સુધી કે જ્યારે તે ડુબવા લાગ્યો તો કહેવા લાગ્યો કે હું ઇમાન લાવું છું કે જેના પર ઇસ્રાઇલના સંતાનો ઇમાન લાવ્યા, તેના સિવાય કોઈ પૂજ્ય નથી અને હું મુસલમાનો માંથી છું |
آلْآنَ وَقَدْ عَصَيْتَ قَبْلُ وَكُنتَ مِنَ الْمُفْسِدِينَ(91) (જવાબ આપવામાં આવ્યો કે) હવે ઇમાન લાવે છે ? અને પહેલા વિદ્રોહ કરતો રહ્યો અને અત્યાચારી બનીને રહ્યો |
હવે આજે અમે ફકત તારી લાશને છોડી દઇશું, જેથી તું બધા માટે શિખામણ પ્રાપ્ત કરવાની નિશાની બને, જે તારા પછી આવનારા છે. અને ખરેખર ઘણા લોકો અમારી નિશાનીઓથી બેદરકાર છે |
અને અમે ઇસ્રાઇલના સંતાનને રહેવા માટે ઉત્તમ ઠેકાણું આપ્યું અને અમે તેમને ખાવા માટે પવિત્ર વસ્તુઓ આપી, તેમણે વિરોધ ન કર્યો ત્યાં સુધી કે તેમની પાસે જ્ઞાન પહોંચી ગયું, ખરેખર તમારો પાલનહાર તેઓની વચ્ચે કયામતના દિવસે તે બાબતો વિશે નિર્ણય કરશે, જેના વિશે તેઓ વિરોધ કરતા હતા |
પછી જો તમે તેના વિશે શંકામાં પડ્યા હોય જેને અમે તમારી પાસે અવતરિત કર્યુ છે, તો તમે તેમને પૂછો જેઓ તમારાથી પહેલાના ગ્રંથોને પઢે છે, નિ:શંક તમારી પાસે તમારા પાલનહાર તરફથી સાચી કિતાબ આવી છે. તમે ક્યારેય શંકા કરનારાઓ માંથી ન થઇ જશો |
وَلَا تَكُونَنَّ مِنَ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِ اللَّهِ فَتَكُونَ مِنَ الْخَاسِرِينَ(95) અને ન તે લોકો માંથી થશો જેમણે અલ્લાહ તઆલાની આયતોને જુઠલાવી, (જેના કારણે તમે) કયાંક તમે નુકસાન ઉઠાવનારાઓ માંથી ન થઇ જાવ |
إِنَّ الَّذِينَ حَقَّتْ عَلَيْهِمْ كَلِمَتُ رَبِّكَ لَا يُؤْمِنُونَ(96) નિ:શંક જે લોકો વિશે તમારા પાલનહારની વાત સાબિત થઇ ચૂકી છે તેઓ ઇમાન નહીં લાવે |
وَلَوْ جَاءَتْهُمْ كُلُّ آيَةٍ حَتَّىٰ يَرَوُا الْعَذَابَ الْأَلِيمَ(97) ભલેને તેઓની પાસે દરેક નિશાનીઓ પહોંચી જાય, જ્યાં સુધી કે તેઓ દુ:ખદાયી યાતનાને ન જોઇ લે |
ઇમાન લાવવું લાભદાયી હતું પરંતુ કોઈ વસ્તી ઇમાન ન લાવી સિવાય યૂનુસ અ.સ.ની કોમના લોકો (માટે લાભદાયી હતું) જ્યારે તે લોકો ઇમાન લઇ આવ્યા તો અમે અપમાનિત કરી દેનારી યાતના દુનિયાના જીવનમાં તે લોકો પરથી ટાળી દીધી અને તેમને એક સમય સુધી દુનિયાના જીવનથી લાભ ઉઠાવવા દીધો |
અને જો તમારો પાલનહાર ઇચ્છતો તો સૃષ્ટિના દરેક લોકો ઇમાન લઇ આવતા, તો શું તમે લોકો પર બળજબરી કરી શકો છો, ત્યાં સુધી કે તેઓ ઈમાનવાળા થઇ જાય |
જો કે કોઈ વ્યક્તિનું ઇમાન લાવવું અલ્લાહના આદેશ વગર શક્ય નથી અને અલ્લાહ તઆલા અણસમજુ લોકો પર ગંદકી નાંખી દે છે |
તમે કહી દો કે તમે ચિંતન કરો કે કેવી કેવી વસ્તુઓ આકાશ અને ધરતીમાં છે અને જે લોકો ઇમાન નથી લાવતા તે લોકોને નિશાનીઓ અને ધમકીઓ કંઈ લાભ નહીં પહોંચાડે |
તો તે લોકો ફકત એવા કિસ્સાઓની રાહ જોઇ રહ્યા છે, જે તેમના પહેલા થઇ ગયા છે, તમે કહી દો કે “સારું” તમે પણ રાહ જુઓ, હું પણ તમારી સાથે રાહ જોનારાઓ માંથી છું |
ثُمَّ نُنَجِّي رُسُلَنَا وَالَّذِينَ آمَنُوا ۚ كَذَٰلِكَ حَقًّا عَلَيْنَا نُنجِ الْمُؤْمِنِينَ(103) પછી અમે અમારા પયગંબરો અને ઇમાનવાળાઓને બચાવી લેતા હતા, આવી જ રીતે અમારી જવાબદારી છે કે અમે ઇમાનવાળાઓને છુટકારો આપી દઇએ |
તમે કહી દો કે હે લોકો ! જો તમે મારા દીન વિશે શંકા કરતા હોવ, તો હું તે પૂજ્યોની બંદગી નથી કરતો જેમની તમે અલ્લાહને છોડીને બંદગી કરો છો, પરંતુ હાં તે અલ્લાહની બંદગી કરું છું, જે તમારા પ્રાણ કાઢે છે અને મને આ આદેશ આપવામાં આવ્યો છે કે હું ઇમાન લાવનારા લોકો માંથી છું |
وَأَنْ أَقِمْ وَجْهَكَ لِلدِّينِ حَنِيفًا وَلَا تَكُونَنَّ مِنَ الْمُشْرِكِينَ(105) અને એ કે પોતાની દિશા ધ્યાનપૂર્વક (આ) દીન તરફ કરી લો અને ક્યારેય મુશરિકો માંથી ન થતા |
અને અલ્લાહને છોડીને એવી વસ્તુની બંદગી ન કરશો જે તમને ન કોઈ લાભ પહોંચાડી શકે અને ન કોઈ નુકસાન, ફરી જો આવું કર્યું તો તમે તે સ્થિતિમાં અત્યાચારી લોકોમાં થઇ જશો |
અને જો તમને અલ્લાહ કોઈ તકલીફ પહોંચાડે તો તેના સિવાય કોઈ તેને દૂર કરી શકતું નથી અને જો તે તમને કોઈ ભલાઇ પહોંચાડવા ઇચ્છે તો તેની ભલાઇને કોઈ દૂર કરી શકતું નથી, તે પોતાની કૃપા પોતાના બંદાઓ માંથી જેના માટે ઇચ્છે, કરી દે અને તે ઘણો જ માફ કરનાર, ઘણો જ દયાળુ છે |
તમે કહી દો કે હે લોકો ! તમારી પાસે સત્ય તમારા પાલનહાર તરફથી પહોંચી ગયું છે એટલા માટે જે વ્યક્તિ સત્ય માર્ગ પર આવી જાય તો તે પોતાના માટે સત્ય માર્ગે આવશે અને જે વ્યક્તિ ગેરમાર્ગે રહેશે તો તેનું ગેરમાર્ગે રહેવું તેના પર જ પડશે અને મને તમારા પર વાલી બનાવવામાં નથી આવ્યો |
وَاتَّبِعْ مَا يُوحَىٰ إِلَيْكَ وَاصْبِرْ حَتَّىٰ يَحْكُمَ اللَّهُ ۚ وَهُوَ خَيْرُ الْحَاكِمِينَ(109) અને તમે તેનું અનુસરણ કરતા રહો જે કંઈ તમારી પાસે વહી મોકલવામાં આવે છે અને ધીરજ રાખો અહીં સુધી કે અલ્લાહ નિર્ણય કરી દે અને તે દરેક નિર્ણય કરનારાઓમાં સૌથી શ્રેષ્ઠ છે |
Plus de sourates en Gujarati :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate Yunus : choisissez le récitateur pour écouter et télécharger la sourate Yunus complète en haute qualité.















Donnez-nous une invitation valide